ફિલિપાઇન્સમાં ભૂકંપની ભયાનક આપત્તિએ તબાહી મચાવી છે. છેલ્લા 12 કલાકમાં અહીં 75 જેટલા આફ્ટરશોક્સ (પછાત આંચકા) નોંધાયા છે. સૌથી પહેલો અને મોટો ભૂકંપ આજે સવારે દક્ષિણી ટાપુ મિંડાનાઓ પાસે સમુદ્રના વિસ્તારમાં આવ્યો હતો, જેની તીવ્રતા 7.6 રિક્ટર સ્કેલ પર નોંધાઈ હતી.
આ ભૂકંપ બાદ પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે સુનામી માટે ચેતવણી પણ જારી કરી હતી, જેને બાદમાં પાછી ખેંચી લેવામાં આવી. જોકે, વચ્ચે ફરી એક વખત 6.9 તીવ્રતાનો બીજો આંચકો આવતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો હતો.
છ લોકોના મોતની પુષ્ટિ, ભૂસ્ખલનથી પણ નુકસાન
ભૂકંપના આંચકાઓમાં અત્યાર સુધીમાં છ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. સવારે આવેલા પ્રથમ આંચકામાં પાંચ મોત થયા હોવાની માહિતી સામે આવી છે. વધુમાં, ભૂકંપથી ઉદભવેલા ભૂસ્ખલનના બનાવમાં દાવાઓ ડી ઓરો પ્રાંતના પન્ટુકન શહેર નજીકના એક સોનાના ખાણકામ ગામમાં બે લોકોના મૃત્યુ થયા હતા. ઘણા લોકોના જીવ બચાવા લશ્કરની ટીમને ઘટના સ્થળે તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. હોસ્પિટલો અને શાળાઓને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સુનામી ચેતવણી હતી પણ મોટી લહેરો આવી નહિં
પ્રારંભિક ભૂકંપ બાદ સુનામી ચેતવણી આપી દેવામાં આવી હતી. આને પગલે દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા. લોકો સુરક્ષિત સ્થળે ખસ્યા હતા. જો કે, બે કલાક પછી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી, કારણ કે મોટી મોજાઓ દેખાઈ નહોતી. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રના જણાવ્યા મુજબ, ફિલિપાઇન્સ અને ઈન્ડોનેશિયા નજીકના દરિયાકાંઠે નાના વધઘટવાળા મોજા જોવાયા, પણ તે ખતરાનાક ના હતા.
રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે શું કહ્યું?
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે જણાવ્યું કે, “ભૂકંપ બાદ હાલ નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત બને ત્યારે રાહત અને પુનઃસ્થાપન કામગીરી શરુ કરવામાં આવશે.”
સિસ્મોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટના વડાએ જણાવ્યું કે, ભૂકંપ ભૂગર્ભમાં 10 કિલોમીટર ઊંડાઈએ ખસેડથી સર્જાયો હતો.







