તમિલનાડુના ઉત્તર ચેન્નાઈમાં થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના બાંધકામ સ્થળે મંગળવારે એક ભારે દુર્ઘટના બની છે. ત્યાં 30 ફૂટ ઊંચી નિર્માણાધીન આર્ચ(કમાન) અચાનક તૂટી પડી હતી, જેના કારણે 9 શ્રમિકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઈ અને 10થી વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાના કારણે ઘટનાસ્થળે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા, જેમને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા.
આ ઘટનાની વિગતો મુજબ, મૃતકોનો પોસ્ટમોર્ટમ માટે સ્ટેનલી હોસ્પિટલમાં દફતર કરવામાં આવ્યો છે. એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું નોંધાયું છે. પોલીસ કમિશનરે આ ઇમારતના ભાગ તૂટી પડવાના કારણની તપાસ શરૂ કરી છે. બચાવકાર્ય અને તપાસ ચાલુ છે.
તમિલનાડુ વિદ્યુત બોર્ડના સચિવ ડૉ. જે. રાધાકૃષ્ણે જણાવ્યુ કે સ્થળ પર કુલ 3700 શ્રમિક કામ કરી રહ્યા હતા અને સુરક્ષા અધિકારીઓ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ચિકિત્સા માટે સ્ટેનલી સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે.
પોલીસ કમિશનરે કહ્યું કે, દુર્ઘટનાનું કારણ હજુ નક્કી કરાયું નથી અને બચાવ કાર્ય ચાલુ છે. ફેબ્રુઆરીમાં પણ મદુરાઈમાં કમાન તૂટી પડવાથી એક મૃત્યુ અને ઈજાઓ થવાની ઘટના ઘટી હતી, જેને લઇને હવે વધુ કડક સુરક્ષા પગલાં લેવા માટે દબાણ વધી રહ્યું છે.






