સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચારને લઈને જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે,ઓઝા દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે વિવિઘ નિયંત્રણો મૂકતું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રચારને લઈને જાહેરનામું પ્રસિધ્ધ
વ્યકિત કે સંસ્થા જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકશે નહી. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રીની અગાઉથી લેખિત પરવાનગી મેળવીને લાઉડ સ્પીકર સવારના ૦૬-૦૦ કલાકથી રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય, અથવા નુકશાન ન થાય તેવી રીતે વગાડવાનું રહેશે અને પરવાનગીની અન્ય શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જાહેરનામાનું ભંગ કરનારને દંડ
ચૂંટણી પ્રચારને લઈને જાહેરનામું ભંગ કે ઉલ્લંધન કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્વયે સજાને પાત્ર બનશે. તેમજ ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે ચૂંટણી આયોગની સૂચનાઓના ઉલ્લંઘન બદલની શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧.૦૨.૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય સુધી કરવાની રહેશે.






