જૂનાગઢમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન પાંચ દિવસીય ‘નિશુલ્ક સમર કેમ્પ’નો આજે અત્યંત ઉત્સાહભર્યા અને ભવ્ય વાતાવરણમાં સમાપન સમારોહ યોજાયો હતો. લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાના ઉમદા હેતુ સાથે સેવા અને સમર્પણનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
કર્મનિષ્ઠ શિક્ષકોનું ‘સન્માન પત્ર’ આપી ગૌરવપૂર્વક સન્માન કરાયું
સમર કેમ્પ દરમિયાન પોતાની અમૂલ્ય સેવાઓ આપી બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરનાર તમામ કર્મનિષ્ઠ શિક્ષકોને કેમ્પના અંતિમ દિવસે ‘સન્માન પત્ર’ આપી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજકોએ ગર્વભેર જણાવ્યું હતું કે, શિક્ષકોના નિઃસ્વાર્થ સહયોગ અને અથાણ શ્રમ વગર આ સેવાકીય યજ્ઞ સફળ બનાવવો અશક્ય હતો.
બાળકોને પ્રોત્સાહક ભેટ: આકર્ષક કીટ બેગ અને એજ્યુકેશન કીટનું વિતરણ
કેમ્પમાં ઉત્સાહભેર સહભાગી થયેલા તમામ બાળકોના પ્રોત્સાહન માટે વિવિધ સામાજિક સંસ્થાઓ અને મહાનુભાવો દ્વારા ઉપયોગી ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક બાળકને આકર્ષક કીટ બેગ તેમજ તેમના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી. ભેટ મેળવીને બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી.
રાષ્ટ્રપ્રેમનું સિંચન: દેશભક્તિના પુસ્તકોનું કરાયું વિતરણ
આ સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત યોગગુરુ ભરતભાઈ અને કમલેશભાઈ દ્વારા બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રપ્રેમ અને ઉત્તમ સંસ્કારોની ભાવના જાગૃત થાય તે હેતુથી દેશભક્તિને લગતા પ્રેરણાદાયી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી
આ સમગ્ર ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, ઉત્સાહી સ્વયંસેવકો અને વાલીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે, આ સમર કેમ્પ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત ન રહેતા, બાળકો માટે સાચા અર્થમાં સંસ્કાર સિંચનનું ઉત્તમ કેન્દ્ર બની રહ્યો હતો.





