કેરળના થ્રિસુરમાં ‘થ્રિસુર પૂરમ’ની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મુંડાથિકોડ વિસ્તારમાં સ્થિત ફટાકડાની યુનિટમાં મંગળવારે બપોરે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અનેકની હાલત ગંભીર, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોમાંથી 18 લોકોને થ્રિસુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 8 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
ઉત્સવ માટે સંગ્રહાયેલા ફટાકડામાં લાગી આગ
માહિતી મુજબ ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવમાં આતશબાજી માટે મોટી માત્રામાં ફટાકડા લાવવામાં આવ્યા હતા અને તિરુવંબડી વિસ્તારમાં બનાવેલા પાંચ શેડમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. અચાનક આગ લાગતા જ ફટાકડામાં વિસ્ફોટ થયો અને થોડા જ સમયમાં તમામ પાંચ શેડ આગની ઝપેટમાં આવી ગયા. આ ઘટનાથી સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી, કારણ કે ઉત્સવની તૈયારીને કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા.
ત્રિશૂર પૂરમ: કેરળનો ભવ્ય ઉત્સવ
‘થ્રિસુર પૂરમ’ કેરળનો સૌથી ભવ્ય અને પ્રસિદ્ધ મંદિર ઉત્સવ માનવામાં આવે છે. વડક્કુન્નાથન મંદિર ખાતે ઉજવાતા આ ઉત્સવને “પૂરમોંની જનની” તરીકે ઓળખવામાં આવે છે. 18મી સદીથી શરૂ થયેલા આ ઉત્સવમાં સજાવાયેલા હાથીઓ, પરંપરાગત ચેંડા મેલમ સંગીત, રંગબેરંગી છત્રીઓનું પ્રદર્શન અને ભવ્ય આતશબાજી મુખ્ય આકર્ષણ બને છે.
મૃત્યુઆંક વધવાની આશંકા
હાલ ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. ઉત્સવની ખુશીઓ વચ્ચે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ સર્જ્યો છે. હવે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





