હાઈકોર્ટે કમિશ્નરેટ અને કલેક્ટર વિસ્તારોમાં પોલીસને સખ્ત સૂચનાઓ આપીને જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન માનવજીવન, પક્ષીઓ અને પ્રાણીઓની સુરક્ષા સર્વોપરી છે. આવી દોરીઓના ઉપયોગથી ગળા કપાવાના અકસ્માતો, ગંભીર ઇજાઓ અને પક્ષીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી છે, જેને રોકવા માટે કાયદાનો કડક અમલ જરૂરી છે.

સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યભરમાં કુલ 59 FIR નોંધવામાં આવી છે. આ દરમિયાન અંદાજે ₹36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં કાચ કોટેડ દોરી, પ્લાસ્ટિક દોરી અને ચીની ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે ઉત્તરાયણ પર્વ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં માત્ર સુરક્ષિત અને માન્ય દોરીઓના વેચાણની મંજૂરી આપવામાં આવી છે. હાઈકોર્ટે તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો અને સંબંધિત અધિકારીઓને દૈનિક અહેવાલ કોર્ટમાં રજૂ કરવા પણ આદેશ આપ્યો છે, જેથી અમલવારી પર સતત નજર રાખી શકાય.

કોર્ટના આ આદેશથી ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો ઘટશે અને લોકો, પશુ-પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ હાઈકોર્ટે નાગરિકોને પણ અપીલ કરી છે કે ઉત્સવનો આનંદ લેતા સમયે કાયદાનું પાલન કરે અને સુરક્ષિત પતંગ દોરીઓનો જ ઉપયોગ કરે.







