અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી, હાલમાં ભારતની મુલાકાતે છે. આ દરમિયાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર થયેલી તીવ્ર અથડામણ મામલે તેમણે પ્રથમ વખત પત્રકારો સમક્ષ સ્પષ્ટ નિવેદન આપ્યું છે.
“અમે અમારું લક્ષ્ય હાંસલ કર્યું છે”
અફઘાન વિદેશ મંત્રીએ જણાવ્યું કે, “અમે ડ્યુરન્ડ લાઇન નજીક પાકિસ્તાની આક્રમણનો જવાબ આપ્યો અને અમારા મિશન પૂર્ણ કર્યા.” તેઓએ વધુમાં કહ્યું કે, “આથડામણમાં અમને જે હાંસલ કરવું હતું તે મળી ગયું છે. હવે અમે શાંતિ અને સ્થિરતાની તરફ આગળ વધવા માગીએ છીએ.”
ગલ્ફ દેશોની વિનંતી પર યુદ્ધ વિરામ
વિદેશ મંત્રીએ કહ્યું કે, “સાઉદી અરેબિયા, કતાર અને UAE જેવા ગલ્ફ દેશોના આગ્રહ પર હવે હુમલાઓ બંધ કરવામાં આવ્યા છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે “યુદ્ધ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. ભવિષ્યમાં આપણે સંવાદના માધ્યમથી સમાધાન લાવવાનો પ્રયત્ન કરશું.”
અથડામણમાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત
અહેવાલો અનુસાર, અફઘાન દળોએ ડ્યુરન્ડ લાઇન નજીકની ચોકીઓ પર હુમલો કરીને 58 પાકિસ્તાની સૈનિકોની હત્યા કરી છે અને 25 થી વધુ ચોકીઓ કબ્જે કરી છે. નોંધપાત્ર છે કે પાકિસ્તાન તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
ભારતની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય તણાવની ચર્ચા
વિદેશ મંત્રી મુત્તાકી હાલમાં ભારતની મુલાકાતે છે, જ્યાં તેઓએ વેપાર, શાંતિ અને સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ભારતીય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. આ દરમિયાન પાકિસ્તાન સાથેના તણાવ પર તેમના નિવેદને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ચર્ચા જગાવી છે.








