પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરી છે. અને 6 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ખાણ ખનીજને બાતમી મળી હતી કે, ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલસામાન સાથે ઝડપી પાડ્યા હતા.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેત ખનન થવાના કિસ્સા વધ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા ગેરકાયદે રેત ખનન કરનારાઓને સંકજામાં લીધા છે.
કાલોલના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરનારા પર ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું. વિભાગે દરોડા પાડી રેતી ભરતા 4 ટ્રેક્ટર ઝડપ્યા. આ ઉપરાંત અન્ય એક સ્થાન પર પણ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
ગોધરાના કંકુથાંભલા અને ગોધરાના મેશરી નદીના પટમાંથી રેતી ભરીને જતા 2 ટ્રેક્ટર ઝડપી પડાયા. ખાણ ખનીજ વિભાગે જુદા-જુદા સ્થાન પર હાથ ધરેલ દરોડામાં કુલ રેતી ભરેલ 6 ટ્રેક્ટર અને કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






