GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન, 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક
ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી તરફ જતી પદયાત્રાના માર્ગો પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ પદયાત્રીઓ અને નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી રહી છે.

આ વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરવામાં આવશે, જ્યારે 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પદયાત્રા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાનો અને યાત્રાળુઓમાં સ્વચ્છતા તથા પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.
-> GPCB ફ્લેગ ઓફ સેરેમનીથી સ્વચ્છતા યાત્રાનો પ્રારંભ : ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્યમંત્રી પ્રવીણ માળી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ સેરેમની દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’ની જનજાગૃતિ અને સ્વચ્છતા કામગીરીને પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે GPCBના અધ્યક્ષ આર. બી. બારડે સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત હાથ ધરાનારી વિવિધ પ્રવૃત્તિઓ તથા અંબાજી પદયાત્રા દરમિયાન પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની રૂપરેખા રજૂ કરી હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કાર્યક્રમને સંબોધતા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને જનભાગીદારી સાથે આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તથા ગુજરાતમાં તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અંબાજી પદયાત્રા સાથે સ્વચ્છ પર્યાવરણનો સંકલ્પ લેવામાં આવી રહ્યો છે. માતાજીના દર્શન માટે શ્રદ્ધાથી જતા યાત્રાળુઓએ ધરતીમાતા પ્રત્યેની પોતાની જવાબદારી પણ યાદ રાખવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.મંત્રીએ કહ્યું હતું કે આપણે પ્રકૃતિને પૂજનારા લોકો છીએ અને બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતાના સંસ્કાર કેળવવા જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને પણ સ્વચ્છતા જાળવવા માટે આહવાન કર્યું હતું. કચરો ગમે ત્યાં ન ફેંકવો, કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવો અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા તેમણે અપીલ કરી હતી.
-> “શ્રદ્ધાથી સ્વચ્છતા” બનશે યાત્રાનું કેન્દ્રબિંદુ : વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ સ્વચ્છ પર્યાવરણ યાત્રાના ત્રીજા વર્ષમાં જોડાયેલા GPCB, NGO, સ્વચ્છતાગ્રહી બહેનો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014થી સ્વચ્છતા શબ્દ લોકોના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. અંબાજી પદયાત્રા દરમિયાન આ અભિયાનનું કેન્દ્રબિંદુ “શ્રદ્ધાથી સ્વચ્છતા” હોવું જોઈએ, જેથી ધરતીમાતા પ્રદૂષિત ન થાય.
રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે આ યાત્રા દરમિયાન 70 ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. હવે આગામી વર્ષોમાં એવી સ્થિતિ ઊભી થાય કે કચરો એકત્રિત કરવાની જરૂર જ ન પડે તેવો સંકલ્પ કરવો જોઈએ.તેમણે GPCB અને GSRTC દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, ડિસ્પોઝેબલ તથા કમ્પોસ્ટેબલ વિકલ્પોને પ્રોત્સાહન આપવા અને જનજાગૃતિ માટે હાથ ધરવામાં આવતી કામગીરીને પણ બિરદાવી હતી. આ વર્ષે આશરે 300 કેમ્પમાં ડિસ્પોઝેબલ બેગનું વિતરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
સ્વચ્છ પર્યાવરણ યાત્રા અંતર્ગત પદયાત્રીઓને પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. યાત્રાળુઓ 10 વપરાયેલી પ્લાસ્ટિક બોટલ જમા કરાવશે ત્યારે તેમને 750 મિલીલીટરની સ્ટીલ બોટલ આપવામાં આવશે.આ અભિયાન માટે ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાથે જ યાત્રાના માર્ગ પરથી 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવાનો પણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.આ વ્યવસ્થાથી પદયાત્રીઓમાં પ્લાસ્ટિક બોટલ પરત આપવાની અને તેનો યોગ્ય નિકાલ કરવાની ટેવ વિકસે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

-> 125 સ્વયંસેવકો કચરો એકત્ર કરશે : અંબાજી પદયાત્રાના માર્ગને સ્વચ્છ રાખવા માટે સ્વયંસેવકોની ટીમ પણ કાર્યરત રહેશે. આ સ્વચ્છ પર્યાવરણ યાત્રામાં આશરે 125 સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગ પરથી કચરો એકત્ર કરવામાં આવશે.કચરાના સંગ્રહ માટે સાઇકલ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. આ રીતે પદયાત્રીઓની અવરજવરમાં અડચણ ન પડે અને માર્ગ પર પડેલો કચરો ઝડપથી એકત્ર કરી શકાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
નર્મદા પરિક્રમા દરમિયાન હાથ ધરવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશની સફળતા બાદ હવે અંબાજી પદયાત્રીઓને પણ સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અંતર્ગત પદયાત્રીઓને ‘આ હાથ કચરો નહીં ફેંકે’ ટેગલાઇન ધરાવતા આશરે 4 લાખ હેન્ડબેન્ડનું વિતરણ કરવામાં આવશે. હેન્ડબેન્ડ દ્વારા યાત્રાળુઓને પોતાની સાથે સ્વચ્છતાનો સંકલ્પ રાખવા અને યાત્રાના માર્ગને કચરામુક્ત રાખવા પ્રેરણા આપવામાં આવશે.
-> 2011થી પદયાત્રાના માર્ગો પર કચરા વ્યવસ્થાપન : GPCB દ્વારા વર્ષ 2011થી વિવિધ સંસ્થાઓની ભાગીદારી સાથે પદયાત્રાના માર્ગો પર ઉત્પન્ન થતા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે.અંબાજી પદયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી ખાદ્યપદાર્થોના પેકેટ, પ્લાસ્ટિક બોટલ, કપ અને અન્ય કચરો ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. આવા કચરાના યોગ્ય સંગ્રહ અને વ્યવસ્થાપન માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સુરક્ષા અને પ્રકૃતિ જતનનો સંદેશ આપતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘આંખ આ રમ્ય છે, પૃથ્વી આ ધન્ય છે’ કાવ્ય પર વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.પર્યાવરણ જાગૃતિના સંદેશને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીઓના હસ્તે સ્વચ્છતાગ્રહી બહેનોને મિલેટ્સ કીટ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં GPCBના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, NEPRAના પ્રતિનિધિઓ તથા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે GPCBના સભ્ય સચિવ દિપાલી ટાંક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
-> શ્રદ્ધા સાથે સ્વચ્છતાનો સંદેશ : અંબાજી પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી યાત્રા નથી, પરંતુ મોટી સંખ્યામાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે જતા હોવાથી પર્યાવરણ અને સ્વચ્છતા અંગે સામૂહિક જવાબદારીનું પણ મહત્વ ધરાવે છે. ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’ દ્વારા યાત્રાળુઓને પોતાની શ્રદ્ધા સાથે સ્વચ્છતાનો સંકલ્પ જોડવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.પ્લાસ્ટિક બોટલનું સંગ્રહ, સ્ટીલ બોટલનું વિતરણ, સ્વયંસેવકો દ્વારા કચરો એકત્ર કરવો અને લાખો હેન્ડબેન્ડનું વિતરણ જેવા પ્રયાસો દ્વારા પદયાત્રાના માર્ગને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનનો સંદેશ સ્પષ્ટ છે કે શ્રદ્ધા સાથે સ્વચ્છતા અને યાત્રા સાથે પર્યાવરણની જવાબદારી પણ જાળવવી જરૂરી છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






Comments are closed.