રાજ્યના નાગરિકોને પોતાની ફરિયાદો અને રજૂઆતો માટે ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ગુજરાત પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિકે રાજ્યભરના તમામ પોલીસ અધિકારીઓ માટે નવી જનસંપર્ક વ્યવસ્થા અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે.
આ નવા આદેશ હેઠળ પોલીસ કમિશનરથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત બે કલાકનો સમય નાગરિકોની ફરિયાદો અને રજૂઆતો સાંભળવા માટે ફાળવવાનો રહેશે. પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ મજબૂત બનાવવા તેમજ ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિકાલને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
બપોરે 12થી 2 વાગ્યા સુધી અધિકારીઓ રહેશે ઉપલબ્ધ
નવી માર્ગદર્શિકા અનુસાર પોલીસ કમિશનર, રેન્જ IG, જિલ્લા પોલીસ વડા, DCP અને ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોતાની કચેરીમાં હાજર રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. જો કોઈ કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય તો કચેરીના વરિષ્ઠ અધિકારી અથવા રીડર દ્વારા અરજીઓ સ્વીકારીને યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવશે.
પોલીસ સ્ટેશનમાં સાંજે 4થી 6 વાગ્યા સુધી લોકસંપર્ક
પોલીસ સ્ટેશન સ્તરે PI અને અન્ય જવાબદાર અધિકારીઓ માટે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળો ખાસ કરીને નોકરિયાત અને શ્રમિક વર્ગને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે, જેથી તેઓ પોતાની કામગીરી પૂર્ણ કર્યા બાદ સરળતાથી પોલીસ સમક્ષ રજૂઆત કરી શકે.
15 દિવસમાં ફરિયાદોના નિકાલની સમયમર્યાદા
DGP દ્વારા અરજીઓના નિરાકરણ માટે સ્પષ્ટ સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સામાન્ય પ્રકારની ફરિયાદોનો નિકાલ મહત્તમ 15 દિવસની અંદર કરવાનો રહેશે. જ્યારે આર્થિક ગુનાઓ, વૈવાહિક અને પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તથા ભ્રષ્ટાચાર સંબંધિત જટિલ ફરિયાદો માટે વધુમાં વધુ 6 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
દરેક અરજીનું રજિસ્ટર રાખવાનો આદેશ
ફરિયાદોની પ્રક્રિયા પારદર્શક રહે તે માટે દરેક કચેરીમાં વિશેષ રજિસ્ટર જાળવવાનું રહેશે. જેમાં અરજદારની વિગતો, ફરિયાદનો પ્રકાર અને કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવશે.
ગુનાની આશંકા જણાય તો તરત FIR
નવી માર્ગદર્શિકા મુજબ પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ સંજ્ઞેય ગુનો બનતો હોવાનું જણાય તો પોલીસને વિલંબ કર્યા વિના તાત્કાલિક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગના આ નિર્ણયને સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્તરે જ ફરિયાદોના ઝડપી નિકાલથી લોકોનો સમય અને ખર્ચ બંને બચશે તેમજ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






