ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના 17 જિલ્લામાં હિટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. કેટલીક જગ્યાએ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા અને સુરત જિલ્લામાં હિટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
માર્ચની શરૂઆતમાં જ ગરમીનો આકરો પ્રભાવ
રાજકોટમાં તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ આટલી ગરમી અનુભવાતા શહેરના રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.
સુરતમાં પણ કાળઝાળ ગરમી
સુરતમાં પણ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ગરમીના કારણે લોકો બપોરે બહાર જવાનું ટાળી રહ્યા છે અને શહેરમાં ગરમીનો ભારે અહેસાસ થઈ રહ્યો છે.
વડોદરામાં રોડનો ડામર પીગળ્યો
વડોદરામાં પણ તાપમાન 38 ડિગ્રી નોંધાતા રસ્તાઓ પરનો ડામર પીગળી જવાની ઘટના સામે આવી છે. ફતેગંજ બ્રિજ પર બનેલા રોડનો ડામર ગરમીના કારણે પીગળી ગયો હતો. પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે કેટલાક સ્થળોએ રેતી નાંખવામાં આવી છે. રોડ પર ચાલતાં સમયે ડામર પગમાં ચોંટે તેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા તથા જરૂરી સાવચેતીઓ રાખવા અપીલ કરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in




