ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે “અમે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ” અને હાલની સ્થિતિને સંપૂર્ણ યુદ્ધમાં પરિવર્તિત થતી અટકાવવી જોઈએ.
આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ભારતે પીઓકે અને પંજાબમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલાઓનો ઉદ્દેશ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવો હતો, જેમાં 26 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા.
ખ્વાજા આસિફે CNNના ‘Connect the World’ કાર્યક્રમમાં એન્કર બેકી એન્ડરસન સાથે વાતચીત દરમિયાન સ્વીકાર્યું કે ભારતે મંગળવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી. તેમણે આ ઘટનાને “સ્પષ્ટ ઉલ્લંઘન” ગણાવી અને ચેતવણી આપી કે તે સમગ્ર પ્રદેશમાં “મોટા અને વધુ ખતરનાક સંઘર્ષ”ને આમંત્રણ આપી શકે છે.
સાંપ્રત પરિસ્થિતિમાં પાકિસ્તાની નેતાઓ, જે અગાઉ પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા હતા, હવે શાંત રહેવાની અપીલ કરી રહ્યા છે. આસિફે જણાવ્યું કે “અમે માત્ર ત્યારે જવાબ આપશું જો અમારા પર સીધો હુમલો થશે”. તેમણે વધુમાં કહ્યું કે, “જો ભારત તણાવ ઘટાડશે તો અમે પણ શાંતિના માર્ગે આગળ વધવાની તૈયારીમાં છીએ.”
પાકિસ્તાનના આ બદલાયેલા વલણને ભારતના સફળ ઓપરેશન અને કૂટીનીતિના પરિણામરૂપ માની શકાય છે.







