મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદા પણ રાજ્ય સરકારે સાત દિવસ સુધી વધારી છે.
આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE/VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૫ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કુલ ૨૯.૮૦ લાખથી વધુ અરજીઓ કરવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા તબક્કાવાર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. આજદિન સુધીમાં કુલ 4.91 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ. 1497 કરોડથી વધુના બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 1098 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રી એ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, બાકી રહેલા ખેડૂતોને પણ તબક્કાવાર તેમના બેંક ખાતામાં ઝડપથી સહાય ચૂકવવામાં આવશે. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in







