પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ કટોકટી’ ઊભી કરીને બિનજરૂરી ઉતાવળ દેખાડવાનો આરોપ મૂક્યો અને તેમના વકીલની વર્તણૂકને ‘શરમજનક’ ગણાવી.1987માં ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા બનાવવામાં આવેલા આ એપાર્ટમેન્ટમાં 132 ફ્લેટ છે. આમાંથી 110 ફ્લેટ ધારકોએ પુનઃવિકાસ માટે સંમતિ આપી, જે કાયદેસર રીતે જરૂરી સંખ્યા પૂરી કરે છે. GHB’એ પણ 2022થી આ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે. પરંતુ 34 ફ્લેટ ધારકોએ વિરોધ કર્યો. આ 34 અરજદારોએ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જ્યાં 2 સપ્ટેમ્બરે રિડેવલપમેન્ટ રોકવાની અરજી ફગાવાઈ. આ પછી તેઓ 15 સપ્ટેમ્બરે હાઈકોર્ટ પહોંચ્યા અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી. કોર્ટનો કડક અભિગમ
જસ્ટિસ એમ.જે. શેલતે કેસની વિગતે સુનાવણી કરી. તેમણે જણાવ્યું કે પુનઃવિકાસથી ફ્લેટ ધારકોને મોટા ફ્લેટ અને માલિકી હક મળશે, એટલે તેમનું કોઈ નુકસાન નથી. કોર્ટે નોંધ્યું કે 34 ફ્લેટ ધારકોએ ખોટી ઉતાવળ કરી અને ન્યાયિક સમયનો દુરુપયોગ કર્યો. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું, ‘આવા અનૈતિક વાદીઓના વ્યર્થ પ્રયાસોને શરૂઆતમાં જ રોકવું જરૂરી છે. આવા કેસોને સજા વિના છોડવા ન જોઈએ.’
દંડ અને વકીલની ટીકા: હાઈકોર્ટે 34 ફ્લેટ ધારકોને એક મહિનામાં અમદાવાદની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને 1 લાખ રૂપિયા ભરવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત, 34 ફ્લેટધરકોના વકીલની કામગીરી પર પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી. 22 સપ્ટેમ્બરે વહેલી સવારે કેસ દાખલ કરીને અને જાણે GHB ફ્લેટ તોડવા તૈયાર હોય તેવી ઉતાવળ દેખાડવી, આવું વર્તન અત્યંત નિંદનીય અને શરમજનક હોવાનું કોર્ટે જણાવ્યું.
શું છે મહત્વ?: આ ચુકાદો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં બિનજરૂરી અડચણો ઊભી કરનારાઓ માટે ચેતવણીરૂપ છે. ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય ન્યાયિક સમયનો દુરુપયોગ રોકવા અને પુનઃવિકાસ જેવા જાહેર હિતના પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ગણાશે.






