સુરતમાં કઠોડરા ગામની એક વાડીમાં મધરાત્રે દીપડાએ નિદ્રાવાન 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કર્યો હતો. જેના કારણે વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના પૌત્ર એ જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા જ દીપડી પાંજરે પુરાઈ હતી. બા સુતેલા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. હાલ બાની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.મળતી માહિતી મુજબ, લક્ષમણભાઈ દેવીપૂજક (પૌત્ર) એ જણાવ્યું હતું કે, તેઓ ભાવનગરના વતની છે અને 7 વર્ષથી વાડી રાખી ફળના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ઘટના કામરેજના કઠોડરા ગામની છે. સુનિલભાઈ પટેલની ચીકુ વાડીમાં શનિવારની રાત્રે બા દિકરા વહુ સાથે રાત્રીનું ભોજન કરી સુઈ ગયા હતા. ત્યારબાદ મધરાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં એક દીપડાએ વાડીમાં ઘુસી નિદ્રાવાન શ્યામબેન ભગવાન ભાઈ દેવીપૂજક (ઉ.વ.112) પર હુમલો કરતા બા બચાવો-બચાવોની બુમો સાંભળી દીકરા-વહુ સાથે કેટલાક મજૂરો દોડી ગયા હતા. વધુમાં કહ્યું હતું કે, બા જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈ બધા જ ગભરાઈ ગયા હતા. તો શ્યામબેન ભગવણભાઈ દેવીપૂજક (ઉ.વ.112) એ કહ્યું દીપડાએ હુમલો કર્યો છે એટલે એમને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, દીપડીએ આજુબાજુના ખેતરમાં બચ્ચાને જન્મ આપ્યો હતો જેને લઈ દીપડી ખેતરમાં ખુલ્લી ફરતી જોઈ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગત મંગળવારના રોજ વન વિભાગે પાંજરું મૂકી દીપડીને પાંજરે પુરવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ લોકોએ રાહતના શ્વાન લીધા હતા.જોકે મધરાત્રે એક વૃદ્ધા પર દીપડાના હુમલાની જાણ વાયુવેગે પ્રસરતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો છે. 7 વર્ષમાં પહેલી વાર દીપડાના હુમલામાં તેમના પરિવારનું સભ્ય ઈજાગ્રસ્ત થયુ છે.બાની તબિયત હાલ ગંભીર છે.