સંગીત જગતના ઓસ્કાર ગણાતા ગ્રેમી એવોર્ડ્સની 67મી આવૃત્તિ 2 ફેબ્રુઆરી, 2025 (ભારતીય સમય મુજબ 3 ફેબ્રુઆરી) ના રોજ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે યોજાઈ હતી. આ સમારંભમાં, સંગીત ઉદ્યોગના સ્ટાર્સને તેમના અનન્ય યોગદાન માટે વિવિધ શ્રેણીઓમાં વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વખતે, ભારતીય મૂળની ગાયિકા અને ઉદ્યોગસાહસિક ચંદ્રિકા ટંડને ‘ત્રિવેણી’ આલ્બમ માટે શ્રેષ્ઠ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીતીને સંગીતની દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે.
ચંદ્રિકા ટંડને તેમના સાથીદારો દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે આ એવોર્ડ જીત્યો છે. પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે ચંદ્રિકાએ કહ્યું, ‘સંગીત પ્રેમ છે, તે આપણી અંદરનો પ્રકાશ જાગૃત કરે છે અને આપણા સૌથી અંધકારમય દિવસોમાં પણ આનંદ ફેલાવે છે.’
-> કોણ છે ચંદ્રિકા ટંડન? :- ગાયિકા અને ઉદ્યોગસાહસિક ચંદ્રિકા ટંડન ભારતીય મૂળના છે. ચંદ્રિકાનો ઉછેર ચેન્નાઈમાં થયો હતો અને તે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમનો પરિવાર સામવેદ અને કર્ણાટક સંગીતના પરંપરાગત શિક્ષણ સાથે સંકળાયેલો હતો. તેમની બહેન ઇન્દ્રા નૂયી, જે 12 વર્ષ સુધી પેપ્સીકોના ભૂતપૂર્વ સીઈઓ રહ્યા હતા, અને ચંદ્રિકા પોતે પણ વ્યવસાયિક જગતમાં અગ્રણી નામો છે.
ચંદ્રિકા ટંડને પ્રખ્યાત શાસ્ત્રીય ગાયકો શુભ્રા ગુહા અને ગિરીશ વજલવાર હેઠળ પોતાની સંગીત યાત્રા શરૂ કરી હતી. તેમને 2010 માં “ઓમ નમો નારાયણ: સોલ કોલ” આલ્બમ માટે તેમના પ્રથમ ગ્રેમી માટે નોમિનેશન પણ મળ્યું હતું. આ વર્ષે તેણીને નિર્માતા રિકી કેજ, સિતારવાદક અનુષ્કા શંકર અને બ્રિટિશ-ભારતીય કલાકાર રાધિકા વેકરિયા સાથે નોમિનેટ કરવામાં આવી હતી. આ વખતે અનુષ્કા શંકર ૧૧મી વખત નોમિનેશન મેળવવા છતાં ગ્રેમી જીતી શક્યા નહીં, પરંતુ તેમની બહેન નોરાહ જોન્સને તેમના આલ્બમ “વિઝન્સ” માટે બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમનો એવોર્ડ મળ્યો.