B INDIA પોરબંદર : પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા INS સરદાર પટેલ નેવલ બેઝની નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. ત્યાર બાદ લોકોમાં ભયનો માહોલ છે. સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ધમકી ભર્યા ઇમેઇલના પગલે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું,. અને ઇમેઇલ મોકલનારની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, 31 જાન્યુઆરીના રોજ સ્કૂલના ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. અને તે બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને નફરત ફેલાવી રહ્યો છે. ધમકીભર્યા ઈમેલ બાદ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અને વિગતવાર તપાસ હાથ ધરી હતી. જોકે, કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. નેવીએ પણ તકેદારી વધારી દીધી છે. સ્કૂલના પ્રિન્સિપાલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નેવી અને કોસ્ટ ગાર્ડનું મુખ્ય મથક પોરબંદરમાં હોવાથી, આ ધમકીને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. પોલીસે ઈમેઇલ મોકલનાર વ્યક્તિની ઓળખ કરવા અને તેના સ્થાન સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી છે.