B INDIA અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. આ પરીક્ષા દરમિયાન કોપીકેસ મામલે 300થી વધુ વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ સામે જે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જે રીતે કોપીકેસની વિગતો સામે આવી છે તે પ્રકારે યુનિવર્સિટીમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.GTUના રજિસ્ટ્રાર કે. એન. ખૈર જણાવે છે કે ગત વર્ષે જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં 313 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. હાલ તેઓનું હિયરિંગ ચાલી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ કોપી કરી રહ્યા છે અને પકડાયા તેમાં કોઈ ચોરી કરતા કે ચબરખીમાંથી પકડાયા છે, કોઈ કોઈનામાંથી લખી રહ્યા છે તો કોઈ મોબાઈલ સાથે પકડાયા છે.
યુએફએમ કમિટી સામે આ મામલે તપાસ ચાલી રહી છે. આ તપાસ બાદ યુનિવર્સિટીના નોટિફિકેશનમાં ક્લિયર જોગવાઈ છે કે કોઈ ઉત્તરવહી સાથે ટેમ્પરિંગ કરે, દુરવ્યવહાર કરે, ઈન્વેજીલેટર સાથે, મોબાઈલ સાથે પકડાય, ઉત્તરવહી ફાડીને તેનું પેજ લઈ જાય, ચબરખી સાથે પકડાય કે ચબરખી નીચેથી પકડાય તેના અલગ અલગ નિયમો યુનિવર્સિટીએ પ્રિ ડિસ્ક્લોઝ જાહેર કરેલા છે. એટલે હાલ વિદ્યાર્થીઓનું હિયરિંગ ચાલી રહ્યું છે જે પ્રકારે વિદ્યાર્થીએ ગેરરીતિ કરી હશે તે પ્રકારનો નિર્ણય યુએફએમની તપાસ કમિટી દ્વારા કરવામાં આવશે.
મહત્વનું છે કે, 2023માં પણ માસ કોપીકેસમાં એક ઇન્સ્ટિટ્યૂટની પણ સંડોવણી સામે આવી હતી જે મામલે યુએફએમ કમિટીની થયેલી તપાસમાં ઇન્સ્ટિટ્યૂટને પણ હિયરિંગ માટે બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ ઇન્સ્ટિટ્યૂટ સામે પણ પગલા લેવામાં આવ્યા હતા. આ વખતે પણ જે રીતે કોપીકેસ સામે આવ્યા છે તેને ધ્યાને લઈને ખુબ ઝીણવટપૂર્વકની તપાસ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે.