રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેમજ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે હવામાન વિભાગનું અનુમાન છે કે વાતાવરણ સૂકું રહેશે અને આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે ઉત્તર પશ્ચિમના પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતનું માનવું છે મોટું માવઠું થશે નહીં. તેમ છતાં વાતાવરણ પલટો આવશે અને અમુક વિસ્તારમાં છાંટા પડવાની શક્યતા છે.
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવવાનું અનુમાન હતું. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની હવામાન નિષ્ણાતોનું અનુમાન હતું. પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે નબળું પડી જશે. જેના કારણે મોટા માવઠામાંથી રાહત મળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવાની ધારણા હતી. તે મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવશે.ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી ફરી પલટો આવવાની શક્યતા રહેશે અને માર્ચ મહિનામાં પણ વારંવાર પલટા આવી શકે. વિષમ હવામાનની વિપરીત અસરના કારણે કૃષિ પાક રોગ આવવો સામાન્ય છે.