સરકારી શાળામાં અવ્યવસ્થાને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં નર્મદા-ભરૂચ જિલ્લાની સરકારી શાળામાં અવ્યવસ્થા હોવાની જાણ કરતાં તેમાં સુધારાની માંગ કરી છે. સરકારી શાળાની સ્થિતિ ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે. આ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આથી સરકાર આ બાબત ધ્યાને લઈને તેમાં શક્ય તેટલી વહેલી તકે સુધારા કરે તેવી રજૂઆત આ પત્રમાં કરવામાં આવી છે.
સાંસદ મનસુખ વસાવાએ આ પત્રમાં જણાવ્યું કે, આદિવાસી વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ છે. ડેડીયાપાડાના તાબદામાં શિક્ષકોની ઘટ છે. શાળા તો છે પણ જરૂરી વિષય મુજબ શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત શાળામાં ક્લાર્ક, છાત્રાલયમાં ગૃહપતિ, રસોઈયા નથી આથી આ તમામ સ્થાનો પર ભરતી કરવાની માંગ કરી છે. શાળામાં રસોઈયા ન હોવાથી વિદ્યાર્થીઓ જાતે રસોઈ બનાવે છે. આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને શાકભાજી પણ આપવામાં ના આવતા હોવાનો પત્રમાં આક્ષેપ કર્યો હતો.
મનસુખ વસાવા શૈક્ષણિક તેમજ સામાજિક મુદ્દે પડતર પ્રશ્નોને લઈને અનેક વખત પોતાના જ પક્ષના નેતાઓ સામે બાથ ભીડતા જોવા મળે છે. વડાપ્રધાનને પત્ર લખી રાજપીપળાના સ્થાનિકોને સુવિધા મળે તે હેતુ રેલવે લાઈન શરૂ કરવાની માંગ કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખનન મુદે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આ કૌભાંડમાં અધિકારીઓથી લઈને રાજકીય નેતાઓની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.