B INDIA રાજકોટ : રાજકોટ શહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પિતા પોતાની પરણિત દીકરીને પોતાના ઘરમાં તેના પ્રેમી સાથે જોઈ જતા પ્રેમીને છરીનો એક જીવલેણ ઘા ઝીંકી દેતા મોત થયું હતું. ત્યારે સમગ્ર મામલે દીકરીના પ્રેમીની હત્યા કરનારા પિતાની પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, ઉપલેટા ખાતે અગાઉ બેન્ક લોન કરાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક પોતાની પરણિત પ્રેમિકાને મળવા માટે બુધવારના રોજ રાજકોટ આવ્યો હતો. ત્યારે પોતાની પરણિત પ્રેમિકાને મળવા માટે તે તેણીના રેલનગર ખાતે આવેલા ઘરે પહોંચ્યો હતો.
જ્યાં સાંજના સમયે પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી પોતાની પરિણીત દીકરીને તેના પ્રેમી સાથે જોઈ જતા બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી. બોલાચાલી અંતર્ગત પિતા ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ઘરમાં રહેલી છરી વડે યુવકના પગના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ સારવાર અર્થે પ્રેમિકા દ્વારા યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.આમ બનાવ હત્યામાં પરિવર્તિત થયો છે. હત્યાનો બનાવ સામે આવતા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.જે.ચૌધરી તેમજ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ક્રાઈમ સીનને મોનિટર કરવામાં આવ્યો હતો.
તો સાથે જ જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવક અને આરોપીની પુત્રી વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીની ઘટના અંદાજિત સાંજના 4:30 વાગ્યા આસપાસ બની હતી. બનાવ સમયે પ્રેમી યુવક, દીકરીના પિતા તેમજ પરિણીત દીકરી અને દોહિત્રી હાજર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમ, હાલ રાજકોટ શહેર ખાતે લગ્ન કર્યા બાદ પણ એક્સ્ટરનલ મેરીટલ અફેર્સ સાથે સંકળાયેલ કિસ્સાનો કરુણ અંજામ મળ્યો હોવાનું સામે આવ્યું છે.