B INDIA અમદાવાદ : BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે ચાલુ શાળાએ મોડાસાના શિક્ષક એજન્ટ વિનોદ પટેલની ધરપકડ કરી છે. ગુજરાતના ચર્ચિત BZ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અરવલ્લી જિલ્લાના ભેમાપુર પ્રા.શાળા નંબર 2ના શિક્ષકની તપાસ હાથ ધરવામાં આવી છે. અને પોલીસ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. શિક્ષક વી.ડી પટેલને બી.ઝેડમાં એજન્ટ તરીકેની ભૂમિકા હોવાની આશંકાને તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર,પોલીસે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ કૌભાંડમાં સંડોવાયેલ તમામ મુખ્ય એજન્ટો પર કાર્યવાહી શરુ કરી છે. સૂત્રો દ્વારા એ પણ માહિતી સામે આવી છે કે, અરવલ્લી જિલ્લામાં શિક્ષક વી.ડી પટેલ BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો હતો. BZ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક વી.ડી પટેલે લાખોની મિલ્કત વસાવી હોવાનું અને મર્સીડીઝ ગાડી પણ ખરીદી હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા.
-> CID ક્રાઇમે કર્યા મોટા ખુલાસા :- ભૂપેન્દ્રસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને 3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતા. CIDએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી આપવાના નીકળ્યા છે.તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે BZ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી. જો કોઇ એજન્ટ BZમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું. આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા.
જેમાં પ્રથમ હરોળના એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા.એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતું હતું. આ લેપટોપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે CID ક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરી હતી. રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. CIDની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, BZ ગ્રુપ દ્વારા 12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કૂલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી CID ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય કરવામાં આવી નથી. એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા.