B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. રાજસ્થાનના કોટામાં સવારે અમદાવાદની એક વિદ્યાર્થિનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ 24 વર્ષિય કોચિંગ વિદ્યાર્થિની અફશા શેખ કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રતિક્ષા રેસિડેન્સીમાં રહેતી હતી. મૂળ અફશા શેખ ગુજરાતના અમદાવાદની રહેવાસી હતી. તે 6 મહિના પહેલા જ પ્રતિક્ષા નિવાસસ્થાનમાં રહેવા આવી હતી.
આ વિદ્યાર્થિનીએ અગાઉ ઘણી વખત NEETની પરીક્ષા આપી હતી. હાલમાં તે જરૂરી વિષયોમાં સ્વ-અભ્યાસ અને ટ્યુશન કરી રહી હતી. બુધવારે સવારે જ જવાહર નગર પોલીસ સ્ટેશનને તેની આત્મહત્યાની માહિતી મળી. પોલીસ સ્ટેશનના ASI લલિત કુમારે ઘટનાની પુષ્ટિ કરી છે અને તેમના મૃતદેહને MBS હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, સવારે અમદાવાદની એક વિદ્યાર્થિનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે બપોરે આસામના એક વિદ્યાર્થીએ તેની હોસ્ટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ બંને ઘટનાઓએ રાજસ્થાનના શૈક્ષણિક શહેર કોટાના લોકોને હચમચાવી દીધા છે. નોંધનીય છે કે, છેલ્લા 15 દિવસમાં આપઘાતના છ કેસ નોંધાઈ ચૂક્યા છે.