કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 થી 24 જાન્યુઆરી દરમિયાન દિલ્હીના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં રેલીઓ કરશે. મંગળવારે રાજ્ય કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં, પૂર્વ મંત્રી ડૉ. નરેન્દ્ર નાથે જણાવ્યું હતું કે તેઓ 22મીએ ઇન્દ્રલોક મેટ્રો સ્ટેશન, 23મીએ મુસ્તફાબાદ અને 24મી જાન્યુઆરીએ માદીપુર ખાતે જાહેર સભાઓને સંબોધિત કરશે. પાર્ટીનું માનવું છે કે રાહુલની હાજરી પાર્ટીના ઉમેદવારોને મજબૂત તો બનાવશે જ સાથે-સાથે કોંગ્રેસની વિચારધારા અને યોજનાઓને જનતા વચ્ચે મજબૂત રીતે રજૂ કરવામાં પણ મદદ કરશે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરંપરાગત રીતે પોતાના ઉમેદવારો ઉભા રાખતી શિવસેના આ ચૂંટણીમાં પોતાના સાથી પક્ષ ભાજપને ટેકો આપશે. પાર્ટીએ મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલો સમર્થન પત્ર તેના નેતા એકનાથ શિંદે દ્વારા દિલ્હી ભાજપના વડા વીરેન્દ્ર સચદેવાને સોંપ્યો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “શિવસેનાએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોને સક્રિયપણે ટેકો આપવાનો નિર્ણય લીધો છે. મેં શિવસેનાના દિલ્હી એકમને રાજ્ય એકમ સાથે મળીને ચૂંટણી પ્રચારમાં સક્રિયપણે ભાગ લેવા કહ્યું છે.
બીજી તરફ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા જારી કરાયેલા ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યું કે અમે દિલ્હીમાં શિક્ષણ મફત કર્યું છે. ૧૮ લાખ બાળકો માટે ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. કેજરીવાલે કહ્યું કે જો આ (ભાજપ) લોકો આવશે તો મફત શિક્ષણ બંધ થઈ જશે.સંકલ્પ પત્રમાં તેઓ કહી રહ્યા છે કે દિલ્હીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલોમા મફત શિક્ષણ આપવામાં આવશે..કેજરીવાલે આગળ બોલતા કહ્યું હાલ દરેકને શાળાઓમાં મફત શિક્ષણ મળી રહ્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં જે લખ્યું છે તેનો અર્થ એ થયો કે તેઓ દરેક માટે મફત શિક્ષણ બંધ કરશે અને જરૂરિયાતમંદોને જ તે પૂરું પાડશે.