દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટીએ રવિવારે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ યાદીમાં કુલ 40 નેતાઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે. આ યાદીમાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓના નામ છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં ટોચ પર છે. આ ઉપરાંત, દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિશી, અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હી સરકારના મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને AAP રાજ્યસભા સાંસદ હરભજન સિંહ પણ પાર્ટીના સ્ટાર પ્રચારક છે.
-> આ છે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો :- આ પહેલા કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી હતી. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કે.સી.વેણુગોપાલ, દેવેન્દ્ર યાદવ ઉપરાંત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-> આ હશે ભાજપના સ્ટાર પ્રચારકો :- ભાજપની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ, ધર્મેન્દ્ર પ્રધાન, ગિરિરાજ સિંહ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી 5 ફેબ્રુઆરીએ એક તબક્કામાં યોજાશે અને પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.