B INDIA જૂનાગઢ : જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રથમ વખત આફ્રિકન ઝીબ્રા લાવવામાં આવ્યા છે. આફ્રિકન ઝીબ્રાને જોવા માટે શહેરીજનો આવી રહ્યાં છે. સાથે સાથે ઝીબ્રાને કવોરોન્ટાઈનમાં રખાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ઝીબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે 1થી 1.50 મીટર જેટલી હોય છે. તેના કર્ણપલ્લવ લાંબા, કેશવાળી ટૂંકી અને પૂંછડી ભરાવદાર પ્રકારની હોય છે.આફ્રિકન ઝીબ્રા ત્વચાનો રંગ મુખ્યત્વે સફેદ કે ઝાંખો બદામી, જેના પર કાળા કે બદામી રંગના આડા તેમજ ઊભા પટ્ટા આવેલા હોય છે.
આવા પટ્ટાઓ ઉદર અને જાંઘની અંદરના ભાગમાં નહિવત્ જણાય છે. ખૂંધ પરના પટ્ટા પૃષ્ઠ બાજુના પટ્ટા સાથે જોડાયેલા નથી હોતા. ઝીબ્રાની ત્વચા પરની ભાતને આધારે તેની વિવિધ જાતિઓ, ઉપજાતિઓ બને છે. આ પ્રાણીના આવા બાહ્ય દેખાવને કારણે તેને ‘A horse in tiger’s skin’ તરીકે ઓળખવામાં આવે છે.ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ ઝૂમાં ગત તારીખ 2 જુલાઈથી ટિકિટના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં વયસ્ક પ્રવાસીઓ માટેની ટીકીટ 30 રૂપિયાને બદલે વધીને 40 રૂપિયા કરવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો માટેની ટિકિટ 15 રૂપિયાના બદલે 20 રૂપિયા કરવામાં આવી છે. તેમજ સ્કુલ પ્રવાસમાં આવતા અને ઝીરોથી 12 વર્ષ સુધીના બાળકો માટેની ટિકિટ 5 રૂપિયાના બદલે 10 રૂપિયા કરવામાં આવી છે. તો 12 વર્ષથી ઉપરના બાળકો માટેની ટિકિટ 10 રૂપિયાના બદલે 15 રૂપિયા કરવામાં આવી છે.