B india ગાંધીનગર : રાજ્યમાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. પરંતું હવે પવનની દિશા બદલાઈ રહી છે. જેના કારણે તાપમાન હવે ઊંચું જઈ રહ્યું છે. લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. ત્યારે હવે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતના ભાગોમાં ઠંડી ઘટશે. જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવી શકે છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે.”માવઠા અંગેની વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને અમુક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે.
તારીખ 18,19 અને 20માં તો ડાંગમાં મોટો પલટો આવવાની શક્યતા છે.” અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, “અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠાની શક્યતા રહેશે. હળવા વરસાદ થવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો સાથે ઠંડી વધવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે. જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે.”