પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને સૌથી નાની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયન બનનારા ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને પુરસ્કારો આપ્યા હતા. ઉપરાંત, પુરુષ હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
મનુ ભાકરે 2024 પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જેમાંથી એક તેણીએ સિંગલ મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. બીજો મેડલ મિશ્ર 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. જ્યારે ડી ગુકેશે સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાનું ટાઇટલ જીત્યું હતું. ગુકેશે ચીની ગ્રાન્ડમાસ્ટર ડિંગ લિરેનને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. ગુકેશ માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વ ચેમ્પિયન બન્યો હતો.
પુરુષ ભારતીય હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ 2024 પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. આ ઉપરાંત હરમનપ્રીત ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ વિજેતા ટીમનો પણ ભાગ હતી.તો બીજી તરફ, હાઈ જમ્પર પ્રવીણ કુમારની વાત કરીએ તો તેણે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.