ખંભાતમાં ACBએ ફરી લાચિયો કોન્સ્ટેબલ ઝડપી પાડ્યો છે. કોન્સ્ટેબલે રૂપિયા 2 લાખની માંગણી કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. અને આરોપી રોશનકુમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ફરિયાદી સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 200000ની લાંચની માંગણી કરી હતી.
જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી ફરિયાદીને બીજા રૂપિયા 30000 રૂપિયા ઉમેરીને કુલ રૂપિયા 150000ની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેને એ.સી.બી. ના ટોલ ફ્રી નં. 1064 ઉપર સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીએ બાદમાં આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ આપી હતી.
ACBએ ફરિયાદીની ફરિયાદ આધારે 16 જાન્યુઆરીએ લાંચના છટકાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. જેમાં આરોપીએ મોજે કલોદરા ગામ ત્રણ રસ્તાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માગણી કરી હતી. એ.સી.બી.એ તુરંત આરોપીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો. જેમાં લાચિયા કોન્સટેબલ રોશનકુમાર જે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેની ધરપકડ કરાઈ છે.