B india અમરેલી : અમરેલીનાં જાફરાબાદમાં દીપડાએ આતંક મચાવ્યો છે. જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને આખરે મોત નિપજ્યું છે.અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે.
રહેણાંક વિસ્તારમાં દીપડાના વધતા આતંકથી સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. તેવામાં ફરી માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. ચિત્રાસર ગામે દીપડાએ હુમલો કરતા 7 વર્ષ બાળકીનું મોત નિપજ્યુ છે. બાળકીને જાફરાબાદ સરકારી દવાખાને લાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ તેમજ ભાવેશભાઈ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ચિત્રાસર ગામે દીપડાએ 7 વર્ષની બાળકીને ગળાના ભાગે પકડતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ખેત મજુર પરિવારની દીકરી પર દીપડાનો હુમલાથી બાળકીનું મોત થતા વન વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે બાળકીના પરિવારજનોને સરકાર દ્વારા 10 લાખની સહાય મળે છે તે બાબતે જણાવ્યું હતું. વનવિભાગે દ્વારા પાંજરું મુકી સાતથી આઠ ટીમ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી છે.